સમુદ્રમંથન – એક સફર

SM 1 - Copy (2)

દુનિયાની કોઇ પણ સંસ્કૃતિ કેમ ન હોય, તેણે ઇતિહાસના પાનાઓ પર પાડેલી ભાત તેની આવનારી પેઢીઓ માટેનો દિશાસૂચક વારસો બની રહે છે. અને આ ભાત પાડે છે, તે સંસ્કૃતિએ સાક્ષી ભરેલી ઘટનાઓના વળાંકો. આવી જ એક ’ટર્નિંગ પોઇંટ’ સમી ઘટનાની વાત લઇને આવ્યું છે સમુદ્રમંથન. ગુજરાતની વેપારી પ્રજાનો આધાર અને પોતાનું આખુંય આયખું દરિયાના ખોળે વીતાવનારી એવી એવી સાગરખેડૂ ખારવા કોમના ઇતિહાસના એક સ્મરણીય પ્રકરણને તાજું કરે છે સમુદ્રમંથન.

SM 8

ભારતની આઝાદીના એકાદ દાયકા પહેલા, રામપાસા નામનું એક જહાજ ગુજરાતના દરિયેથી આફ્રિકાના બંદરની સફર ખેડવા નીકળ્યું છે. દરિયાની ખેપે જતા ખારવા સમાજમાં સ્ત્રી જાતિને જહાજ પર આવવનો પ્રતિબંધ છે. તેઓ અપશુકનિયાળ તથા વહાણના વિનાશનું કારણ મનાય છે. પણ સમાજની આવી અંધશ્રદ્ધાની ઉપરવટ જ‍ઇને જહાજના કપ્તાન મીઠુએ તેની પત્ની કબીને પોતાની સાથે (અલબત્ત, પુરુષના વેશમાં) જહાજ પર લ‍ઇ આવવાનું સાહસ કર્યું છે. દુનિયા ફરી વળેલો અને બીજા દેશોમાં સ્ત્રી-પુરુષને ખભે ખભા મિલાવી કામ કરતા જોઇ ચૂકેલો મીઠુ ભલે ભણ્યો ન હતો, પણ ગણ્યો જરૂર હતો. અને વળી તેની કબી તો ભણેલી પણ હતી અને ભણાવતીયે હતી. SM 7ટૂંકમાં સમયથી આગળ હતા બન્ને જણા. જહાજમાં અન્ય ખારવાઓ પણ છે અને તેમાં વચ્ચે છે એક ભૂદો, ચાંચિયાઓની સાથે રહી આવેલો અને બધી જ માન્યતાઓ અને કુરીતિઓનો તરફદાર. આવામાં ઘટનાઓ એક અણધાર્યો વળાંક લે છે અને કબીના સત્ય પરથી પડદો ઊચકાઇ જાય છે. એક બાજુ અફાટ દરિયો અને બીજી બાજુ અંધશ્રદ્ધાને વશ ખારવાઓ. કબીનું ભાગ્ય હવે તેને ક્યાં લઇ જશે? કે તે ખુદ પોતાનું ભાગ્ય લખશે?

મીઠુ જેવો નાયક કોને વ્હાલો ન લાગે કે જે કહેતો હોય કે સ્ત્રી એ પુરુષની નબળાઇ નથી પણ બધી જ મુશ્કેલીઓ સામે લડવાનું બળ છે. તે સાહસી છે, પરાક્રમી છે અને તેટલો જ હૃદયથી ઋજુ. (કદાચ ધીરલલિત નાયક કહી શકાય?) અને કબી નાખુદા? ભણેલી, સ્વમાની, મજબૂત અને પ્રેમાળ. મીઠુની અર્ધાંગિની. પતિનો પડછાયો નહી પણ પ્રકાશ. આ નાયિકા સત્ત્વશીલા છે, શોભાની પૂતળી નહી. સરસ્વતી પણ છે અને શક્તિ પણ. મારનાર નહી, બચાવનાર મોટો છે, તેવી પતિની શિખામણને તેણે જીવી જાણી છે. SM 5વળી ઘણે અંશે પ્રતિનાયક કહી શકાય તેવા ભૂદાનો અભિનય પણ ક્રોધ, અણગમો અને છેવટે દયા; બધુ વારાફરથી ઉપજાવી ગયો. તે સિવાય, ખારવાઓના અન્ય પાત્રો દ્વારા દરિયાદેવના ખોળે ઉછરેલી આ પ્રજાની વાતો સાંભળીને આપણે પણ તેમના સુખ-દુઃખના ભાગી બનીયે છીએ. એટલું જ નહી, દરિયાઇ સફરને લગતી જાત જાતની માન્યતાઓ, ખાસિયતો અને ખતરાઓ પણ આપણને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે.

અહીં વાત છે પ્રેમની, સાહસની, ક્રાન્તિની, અડગ-અડીખમ રહેતા જુસ્સાની, જિજીવિષાની અને સમર્પણની. આખાય નાટકની મને સૌથી વધુ સ્પર્શી ગયેલી કોઇ વાત હોય, તો તે હતી મીઠુ અને કબીનો એક-બીજા પ્રત્યેનો અનહદ પ્રેમ. મીઠુનો કબી પરનો વિશ્વાસ અને કબીનો મીઠુ પ્રત્યેનો સમર્પણ ભાવ. શૃંગાર રસનું બેજોડ નિરૂપણ. સંયોગ અને વિપ્રયોગ બંને પ્રકારના શૃંગારથી તરબતર આ નાટક હૃદયને ભીંજવી ગયું. નવરસ નિરૂપણનું જે અદ્‍ભુત સંયોજન અહીં થયું છે તે કાબિલે તારીફ છે. SM 9વીર રસ માત્ર પુરુષ પાત્રોના જ ભાગે નથી. કબી મૌન રહીને પણ જે વીરતાથી ઘટનાઓનો સામનો કરે છે અને છેવટે જે રીતે તે ઘટનાઓનો દોર સંભાળે છે, તે રીતે તેને વીરાંગના જ કહેવી પડે. આ ઉપરાંત હાસ્ય, અદ્‍ભુત, ભયાનક તથા બીભત્સ રસનું પણ શું કુશળતાથી મથન કર્યું છે! વાહ! તેમાં પણ અનુરૂપ સંગીત અને નૃત્યનો મિશ્રણ. જોકે, એક-બે ગીતો મને વધારાના લાગ્યા. અમુક ખૂબ ગમ્યા અને અમુક સાંભળતા વેંત ભૂલાઇ ગયા. પણ હતું તો આ મ્યુઝિકલ. એટલે વધુ તો શું કહું?

ગુજરાતી રંગમંચ પર આ નાટકે નવો ચીલો ચાતર્યો છે તેવું વિવિધ સમીક્ષકોનું કહેવું છે. હું તો સામાન્ય પ્રેક્ષકની દૃષ્ટિથી એટલું કહીશ કે નાટકના પહેલા દૃશ્યથી જ સમુદ્રની લહેરો વચ્ચે આવી ગયાનો મજેદાર અનુભવ મને થયો હતો. તે છેલ્લા દૃશ્ય સુધી. ન પ્રેક્ષકો ખસ્યા હતા ન મંચ. પણ છતાં સમુદ્રની છોળોનો, તોફાનોનો અને ઠંડી લહેરખીનો રોમાંચ માણ્યો હતો.

હું તો જઇ આવી મીઠુ અને કબી સાથે ખેપે, તો તમે ક્યારે આવો છો રામપાસાની સફરે?

SM 16


(ફોટો કર્ટસી – જસવંત ઠાકોર મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત, મૌલિક નાટક સમુદ્રમંથન. વધુ વિગતો માટે તમે તેના ફેસબુક પેજ પર જઇ શકો છો. https://www.facebook.com/Samudramanthan)

Advertisements

One thought on “સમુદ્રમંથન – એક સફર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s