અકૂપાર – ગીરવાસી માનવ અને પ્રકૃતિના પ્રેમની નોખી કથા

IMG_3669
ગૈયરને ઘણી ખમ્મા!

મારી Back to Basics Part – 1 પોસ્ટમાં મેં તે બે પુસ્તકો વિશે વાત કરી હતી જે પુસ્તકો મને મારી પોતાની ધરતી – ગૂર્જરધરાની સમીપ લઈ ગયા અને તેના અજાણ્યા પાસાઓનો પરિચય કરાવ્યો. તેમાંનું એક પુસ્તક એટલે અકૂપાર. અને બીજું ઝવેરચંદ મેઘાણીનું રા’ ગંગાજળિયો. આજે મારે વાત કરવી છે અકૂપાર વિશે.

અકૂપાર શા માટે?

અકૂપાર. એક જુદા જ, એક જાણીતા છતાં અજાણ્યા, ઢૂકડા છતા છેટે રહેલા ભાવ તથા ભૌગોલિક પ્રદેશમાં લઇ જતી કથા. હું તેને કથા કહું છું કારણ કે તેમાં કંઇ કહેવાયું છે – કંઇક કથન છે, એટલે નહી કે તેમાં વાર્તા છે. લેખક ધ્રુવદાદા (ધ્રુવ ભટ્ટ) તો તેને કોઇ પણ પ્રકારના સાહિત્યના બન્ધનમાં બાંધતા જ નથી. અકૂપાર મુક્ત છે અને મને મુક્ત કરે છે, કેટલીય ગ્રન્થિઓમાંથી. તે મને લઇ જાય છે ગીરમાં અને ઓળઘોળ કરી દે છે ત્યાંના ધરાતલની સુવાસમાં. હું એકાકાર થઇ જાઉં છું, ત્યાંના લોક સાથે, ત્યાંની વનરાજી સાથે અને ત્યાંના પહુડા અને પંખીડાઓ સાથે.

Dhruv Dada
લેખક ધ્રુવ ભટ્ટ. (PC – ધૈવત હાથી)

અકૂપાર જુદી છે. અહીં વાત કંઇક નવીન છે. નથી જટિલ માનવસંબન્ધો કે નથી તેનું વિશ્લેષણ. અહીં વાત છે પ્રેમની, શાશ્વતા પ્રેમની. તત્ત્વરૂપા પૃથ્વીના હયાતીમાં આવવાથી લઇને અત્યાર સુધી, તેની સાથે પ્રેમના તાંતણે ગૂંથાયેલા માનવીઓની. સૌથી મઝાની વાત તો એ છે (કે જે મને ધ્રુવદાદાની કલમનું કરતબ લાગે છે) કે વાંચતા વાંચતા તમે તમારા ભૌતિક સ્થાનેથી જ નથી સરકતા, પણ તમારો મનઃપ્રદેશ પણ અહીંની સૃષ્ટિ સાથે એકત્ત્વ પામી જાય છે. અને જે પોતીકું લાગે તેની સાથે પછી તમે પારકા જેવો વ્યવહાર તો ન કરો ને! તે પછી ગીરની ભૂમિમાં ઉગતું ઘાસ હોય કે તે ભૂમિનો અધિપતિ સ્‍હાવજ.

અકૂપાર એટલે કોણ?

અકૂપાર એ એક પૌરાણિક પાત્ર છે. તે એક કાચબો (જી હા! એક કાચબો!) છે, કે જેણે પોતાની પીઠ પર શેષનાગને ધારણ કર્યો છે, કે જે શેષનાગે પૃથ્વીને ધારણ કરી રાખી છે. સૂક્ષ્મતાથી વિચારતા મને અકૂપાર ’ઋતમ્‍નું’ – કુદરતના નિયમનું પ્રતીક લાગે છે.

અકૂપારમાં શું છે?

શહેરમાં જન્મેલો અને ઉછરેલો એક યુવાન ચિત્રકાર આવી ચઢ્યો છે ગીરમાં. પૃથ્વી તત્ત્વના ચિત્રો બનાવવાનું કામ તેને મળ્યું છે, માટે. તે જેમ જેમ આ પ્રદેશમાં ફરતો જાય છે તેમ તેમ એક એક પાત્રોનો આપણને પરિચય મળતો જાય છે. ખરેખર તે ચિત્રકાર રૂપે તો આપણે જ ફરી રહ્યા છીએ.

Akupar Sansai
નટખટ નિર્ભય ચારણકન્યા સાંસાઇ

તેને મળે છે એક નટખટ નિર્ભય ચારણકન્યા સાંસાઇ કે જેણે સિંહબાળ રમાડ્યા છે અને આજે પણ પોતાની ઝાંઝરીથી બાળસખી સિંહણ રમજાનાના બચ્ચાઓને રમાડી લે છે. તે તો શહેરીપણાના તોરમાં રખડતા ચિત્રકારને કહી દે છે, ’આ ગ્યર છે. બાપાનું ઘર નથ્ય. આમ મન ફાવે ત્યાં ખોડાઇ નો જવાય.’ ભલભલા લાટ સાહેબોનેય લઇ નાખે એવી સાંસાઇના સમીકરણો કંઇક જુદા છે. કથામાંના એક બીજા પાત્ર આઇમાના શબ્દોમાં કહીએ તો ’ગય્‍રના પાણાથી લયને માણાં સ્‍હુધીના સ્‍હૌની સંત્યા.’ ચિત્રકારને તે પૂછે છે, ’બીજાંના ઘરમાં જૈને આખો દી ઈ સ્‍હું કરેસ ઈ જોયા કરે ઈનેં જંગલી કેવાય કે ઘરધણીને?’ (સાચું કહું તો આ વાક્ય વાંચ્યા પછી મને ક્યારેય પણ ગીરમાં વિહરતા વનરાજને જોવાની ઇચ્છા નથી થઈ!)

એક બાજુ તીખી તમતમથી સાંસાઇ છે તો બીજી બાજુ સ્નેહાળ આઇમા છે. સહુના આદરવાન વડીલ અને ધરતીના કલાકાર. જ્યાં આપણને તો ઘરના બગીચામાં શું ઉગે છે તેનીય દરકાર નથી હોતી, ત્યાં આ આઇમા સઘળા માલધારીઓને બોલાવી નવા જ ઉગી નીકળેલા કુંવાડિયાના છોડ વિશે અને તેનાથી ઊભા થયેલા ખતરા વિશે સવાલ કરે છે. આઇમાની સાદી અને હૃદય સોંસરવી સમજ છે કે ’ગય્‍ર તો જીવતા રે’વાની ને જીવતાં રાખવાની સરતે ઊભી રઈ સે. એકબીજાની આમન્યા નો રાખીયે તો પસી આયાં રેવા રેખું કાંય નથ્ય.’

IMG_3624
Indian Leopard. Photo captured by Me!

મને અત્યંત ગમી ગયેલા બે પાત્રોમાંનો એક ધાનુ પોતે સિંહના હુમલાનો ભોગ બન્યા પછી પણ કહે છે, ’સ્‍હાવજ જેવું ખાનદાન જનાવર નૈ જડે.’ તેની ગીર પ્રત્યેની વફાદારી હૃદય સોંસરવી ઉતરી જાય છે. ફોરેસ્ટ ગાર્ડ તરીકેની તેની નોકરીની ફરજ રૂપે તેણે એક પરદેશી સંશોધકની સાથે સતત રહેવાનું હતુ. આ વિશે તે કહે છે કે, ’અમે ગ્યરનાં સોકરાં. ગ્યરને પે’લી સ્‍હાસવવાની. પસી આ બાઇને.’

મારુ બીજું ગમતુ પાત્ર એટલે રવા આતા. તેમની યશોગાથા અહીંના લોકગીતોમાં વણાઇ ગઈ છે. તેમના સાહસના પરિણામે આજે ગીરમાં સિંહ હયાત છે. સિંહને પણ ધરાર માણસ જ ગણતા રવા આતા સિંહનો શિકાર થતો રોકવા પોતાના અંધત્વને અવગણીને, આધુનિક સુવિધાઓના ઉપયોગથી અને શહેરની રીતરસમોથી અજાણ હોવા છતા છેક જૂનાગઢ પહોંચી જાય છે.

akupar Lajo
પોતાની ગાય પાછળ છાતીફાટ રૂદન કરતી લાજો

આવા અને બીજા અનેક પાત્રો એક પછી એક આવતા જાય છે અને મારા ચેતાતંત્રને નખશિખ ઢંઢોળી જાય છે, ચેતનવંતું બનાવી જાય છે. તે પછી પોતાની ગિરવાણ ગાયના મૃત્યુ પાછળ અગિયારસના ઉપવાસ રાખનારી લાજો હોય કે ઘરની દીકરીની વસમી વિદાયના શોકને બાજુમાં રાખી પોતાના ગામને દરિયે આવતી વ્હેલને દીકરી ગણી, તેને રક્ષવાની ભલામણ કરતી રાણી. ઋતુએ ઋતુ મિજાજ બદલતી ગીરની વાત કરનારા ગોપાલભાઇ હોય કે ગીરમાં ઓતપ્રોત થઈ, દીપડા માટેય પાણીની કુંડી બનાવનારા પરપ્રાંતીય રેલવે અધિકારી દિવાકરન.

આવું અને બીજું જે હોય તે, અનિચ્છાએ પણ આપણી આસપાસના જગત પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે અને કેટલાય અંશે પોતાના પ્રત્યે પણ નિશ્ચેત બનેલી આપણી સંવેદનશીલતાને આ અકૂપાર ખૂબ સહજતાથી, ફરી ધબકતી કરી દે છે.


(અકૂપાર પુસ્તકનો પરિચય કરાવવા માટે મિત્ર ધૈવત હાથીનો ખાસ આભાર. તમે આ પુસ્તક દ્વારા ગીરમાં વિહાર કરવો હોય તો અહીં ધૂમખરીદી પરથી તે મેળવી શકો છો. અકૂપાર પુસ્તક પરથી જ ધ્રુવ ભટ્ટ લિખિત અને અદિતિ દેસાઇ દિગ્દર્શિત તે જ નામનું નાટક ‘જસવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન’ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ ગાંધી થિયેટર’ દ્વારા પ્રસ્તુત થયેલું છે. અને પ્રસંગે પ્રસંગે તેની રજૂઆત થતી રહે છે. તે વિશે અવગત રહેલા તેનું ફેસબુક પેજ અકૂપાર તમે જોઈ શકો છો. અહીં પ્રતીકાત્મક રીતે રજૂ કરેલા નાટકના ફોટોગ્રાફ્સ માટે અદિતિબહેનનો પણ ખૂબ ખૂબ આભાર.)

Advertisements

8 thoughts on “અકૂપાર – ગીરવાસી માનવ અને પ્રકૃતિના પ્રેમની નોખી કથા

 1. dhirajanand

  ખુબ સરસ વર્ણન કરેલું છે. જો રીવ્યુ વાઁચવા મા આટલું મનોરમ્ય લાગતું હોય તો રીયલ બુક વાઁચી ને જે અનેરો આનંદ આવશે અેની તો કલ્પના જ કરી શકાય.

  Liked by 1 person

  1. વાંચીને પ્રતિભાવ આપવા માટે ખૂભ ખૂબ આભાર. આશા છે કે પુસ્તક તમારી કલ્પનાની કસોટી પર ખરું ઉતરે. કોઇક કારણસર એકનું એક પુસ્તક ફરી વખત ન વાંચતી હું, વારંવાર આ પુસ્તકનું કોઇ પણ પાનું ખોલીને વાંચવા માંડું છું

   Liked by 1 person

 2. Kinnari pandya

  અતિ સુંદર, હૃદયસ્પશીઁઁ વણઁન માના બેન
  પાતરાલેખન અદ્ભુત ખરેખર સમય ચોરી ને વાંચવી છે .!!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s